વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેરના ધોબી તળાવ, વાપીના કરવડ અને ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક વિસ્તારમાં અવેલી સંવેદનશીલ વિસ્તારોમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે શનિવારે સાંજે ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. જેમાં ભંગારના ગોડાઉન, ખંઢેર મકાનો અને શંકાસ્પદ ઇસમોના ધરોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લાના ત્રણેય સંવેદનશીલ વિસ્તારોમાં 140થી વધુ પોલીસ જવાનોની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા ઘરો અને માથાભારે ઇસમો અને અસામાજિક ઈસમોના ઘરે ચેકીંગ કરવામાં આવ્યું હતું. સાથે મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નંબર પ્લેટ તૂટેલી અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા ઇસમોના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં એક સાથે જિલ્લાની પોલીસનું કોમ્બિન્ગ જોઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વો ઉપર અંકુશ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના 3 સંવેદનશીલ વિસ્તારોમાં જિલ્લા પોલીસની ટીમને કોમ્બિન્ગ કરવા સૂચના આપી હતી. જે સુચનાના આધારે વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં સીટી પોલીસની આગેવાનીમાં વલસાડ રૂરલ, LCB અને ડુંગરી પોલીસ મથકના જવાનોને કોમ્બિન્ગ કરવા સૂચના આપી હતી. વાપીના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કરવડ વિસ્તારમાં વાપીની ડુંગરા પોલીસની આગેવાનીમાં વાપી GIDC અને ટાઉન પોલીસની ટીમને સૂચના આપી હતી.

જ્યારે ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથક વિસ્તારમાં ભિલાડ પોલીસની આગેવાનીમાં ઉમરગામ પોલીસ, ઉમરગામ મરીન પોલીસ અને SOGની ટીમને કોમ્બિન્ગ કરવા સૂચના આપવામાં આવી હતી. 3 વિસ્તારોમાં વલસાડ જિલ્લાના 140થી વધુ પોલીસ જવાનોએ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા લોકોના ઘરે રેડ કરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. સાથે વલસાડ જિલ્લા પોલીસના બાતમીદારો પાસેથી શંકાસ્પદ ઇસમોની બાતમી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી






