વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગોરખડા ગામમાં રહેતો એક પરિવાર ઘરકંકાસના કારણે વેરવિખેર થઈ ગયો છે. ગુસ્સામાં આવેલા પતિએ હથોડીના ઘા મારી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે.

વલસાડ જિલ્લાના ધરમપુરના ગોરખડા ગામના પટેલ ફળિયામાં રહેતા જીતેશભાઈ ચંદુભાઈ કુંવરના લગ્ન ધરમપુરના સિદુમ્બર ગામના નિશાળ ફળિયાના રહીશ દિનેશભાઈ જીવલાભાઇ ઠાકર્યાની પુત્રી મયૂરીબેન સાથે વર્ષ 2007-08માં થયા હતા. લગ્ન બાદ જીતેશ તેની પત્ની સાથે તકરાર કરી મારઝૂડ કરતો હતો. પુત્રીનો સંસાર બગડે નહિ તેવા આશયથી મયૂરીબેનના પરિજનો અને જીતેશ વચ્ચે અનેક વખત સમાધાન થયું હતું. લગ્ન બાદ આ દંપતીના બે નવજાત શિશુઓનું મરણ થયું હતું. હાલે દંપતીને 4 માસના પુત્રનું સંતાન સુખ મળ્યું હતું. શનિવારના રોજ જીતેશ અને તેની પત્ની વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા જીતેશે લોખંડની હથોડી વડે પત્ની મયૂરીબેનના માથાના ભાગે ઉપરઉપરી ઘા કરી દીધા હતા. જેને કારણે મયૂરીબેનનું મોત નિપજ્યું હતુ. દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં બૂમાબૂમ થતા આજુબાજુના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટના અંગે મૃતક પરિણીતાના માતાપિતાને જાણ કરી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ જીતેશ ઘટનાસ્થળ પરથી ભાગી જાય તે પહેલા જ ગામલોકોએ તેને પકડી રાખ્યો હતો. ઘટના બાબતની જાણ ધરમપુર પોલીસને કરાતા ધરમપુર પોલીસ મથકના PSI આર.કે.પ્રજાપતી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગોરખડા ગામના આગેવાનોએ આરોપીનો કબજો ધરમપુર પોલીસને સોંપ્યો હતો.

જીતેશ અને મયૂરીના 16 વર્ષના લગ્નજીવન દરમિયાન ભૂતકાળમાં બે સંતાનોના જન્મ થયા બાદ મૃત્યુ થયા હતા. ચાર મહિના પહેલા દંપતીને ત્યાં બાળકનો જન્મ થતા પરિવારમાં ફરી ખુશીનો માહોલ છવાયો હતો. જો કે, દંપતી વચ્ચે કોઈને કોઈ બાબતને લઈ ચાલી રહેલો ઘરકંકાસ શનિવારે ઘાતક બન્યો હતો. માતાનું મોત થતા અને માતાની હત્યાના ગુનામાં પિતા જેલમાં જતા હાલ તો ચાર મહિનાના બાળક નિરાધાર બન્યો છે.





