વલસાડમાં પરિણીતાએ ઘરે ફાંસો ખાઇ આપઘાત કર્યો, પતિ દૂકાને ગયા અને સાસુ સસરા ખેતરે કામે નિકળ્યા હતા.

વલસાડ તાલુકાના ઓઝર ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણસર ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળામાં ફાંસો નાંખી આપઘાત કરી લેતાં ગામમાં ચકચાર જાગી હતી.પોલીસે મૃતકને 108માં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી એકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વલસાડની આદિવાસી પટ્ટી પર આવેલા ઓઝર ગામમાં બાવીસી ફળિયામાં રહેતા રાકેશભાઇ પટેલ પોતાની પત્ની શેફાલી અને માતા પિતા,ભાભી સહિત પરિવાર સાથે રહે છે.આ દરમિયાન 4 જૂનના રોજ રાકેશભાઇ માતા પિતા ખેતરમાં કામે નિકળ્યા હતા અને પતિ રાકેશ દૂકાને કામ માટે ગયા હતા અને આ દરમિયાન શેફાલીએ પોતાના રૂમમાં જઇ દરવાજો બંધ કરી દીધો હતો.બાદમાં તેમના પતિ રાકેશભાઇ ઘરે પરત આવતાં રૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો.
જેને લઇ તેમણે દરવાજો તોડીને અંદર જોતાં પત્ની શેફાલી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી મૃત હાલતમાં જોતાં અવાક થઇ ગયા હતા.108ને જાણ કરતાં ટીમે આવી ચેક કરી તેણીને મૃત જાહેર કરી હતી.ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસે આવી લાશનો કબજો લઇ સિવિલમાં પીએમ અર્થે મોકલી એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





