કલેક્ટર દ્વારા બાંધકામ શાખાના કામોની તપાસની માગ,ભારે વરસાદમાં પુલ પરથી પસાર થતાં લોકોને ફરી જોખમ
વલસાડ પાલિકાની બાંધકામ શાખાની દેખરેખ હેઠળ બંધાયેલી ઓરંગાનદીના પીચિંગ પુલની રેલિંગ વોલ ભંગાર હાલતમાં મુકાઈ જતા વાહનચાલકોના માથે જોખમ ઉભું થયું છે.

વલસાડના હનુમાન ભાગડાને જોડતાં આ પીચિંગ પુલની સરંક્ષણ દિવાલ 15 દિવસ પહેલાં જ તૂટી પડતાં કલેકટર દ્વારા તપાસ હાથ ધરવાની માગ કરાઇ છે.હજી પણ ચોમાસુ બાકી છે ત્યારે ઔરંગા નદીના પૂરની પરિસ્થિતિમાં આ પીચિંગ પર ફરી વળતા રેલના પાણીથી લોકોને ફરી જોખમનો સામનો કરવો પડશે.પાલિકાના બાંધકામના કામોમાં ભારે વેઠ ઉતારવા નીતિ અપનાવાતી હોવાની વ્યાપક રાવ છે.બાંધકામ શાખાના પાલિકાના મંજૂર કામોમાં ગોબાચારીની ફરિયાદો છાશવારે કરવામાં આવતી હોવા છતાં કોઇ પગલાં નહિ ભરાતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.આ દિવાલનું બાંધકામ પાલિકાની બાંધકામ શાખાના ઇજનેરોની દેખરેખ હેઠળ થયું છે તો આ દિવાલ માત્ર 3 માસમાં જ કેમ કક઼ડભૂસ થઇ ગઇ તે બાબતે કલેકટરની તપાસની માગ કરાઇ છે.
પૂરથી બચવા હંગામી વ્યવસ્થા પણ નથી ચોમાસા પહેલાં જ ઔરંગનદીના તટ પાસે હનુમાનભાગડા અને વલસાડને જોડતાં પીચિંગ પુલ પરથી રેલિયા પાણીથી બચવા નવી જ બનાવેલી આરસીસી બાંધકામ સાથે લોખંડની રેલિંગની દિવાલ કકડભૂસ થયાને બે સપ્તાહથી વધુનો સમય થયો છતાં હજી નવી રેલિંગ પ્રોટેક્શન દિવાલ બનાવવાની કોઇ તજવીજ કે કોઇ હંગામી વ્યવસ્થા પીચિંગ પુલ માટે થઇ નથી.
Dharinanen Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





