વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોર્ટ ન. 25માં ચાલી રહેલી બાંધકામ સાઈટ ઉપરથી 12 સપ્ટેમ્બરના રોજ સવારે એક શ્રમિકની હથોડી વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી.

સાઈટના સાથી શ્રમિકો અને સાઈટ સંચાલકે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વલસાડ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી શ્રમિકની લાશનો કબ્જો મેળવી ઘટના સ્થળે પ્રાથમિક તપાસ હાથ ધરતા લાશને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. મૃતક શ્રમિકના મોઢા ઉપર હથોડા અને પાઇપ વડે ઘા કરી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી.

વલસાડ સીટી પોલીસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સાઈટ સંચાલક અને સાથી શ્રમિકોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં વલસાડના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પપ્પુ પાસવાન નામનો ઈસમ મજૂરી કામ કરતો હતો. મૂળ બિહારનો પપ્પુ પાસવાન 8 દિવસ પહેલા બિહારથી તેના મિત્ર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી વિકાસ માંજીને વલસાડ બોલાવી મજુરી કામે લગાડ્યા હતા. પપ્પુ પાસવાને વિકાસ અને તેની પત્નીને અહીંયા કામે લગાવ્યા હતા. પપ્પુ પાસવાન અને વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે દોઢ વર્ષ પહેલાં બિહારમાં યોજાયેલી સાયકલ રેસમાં મુલાકાત થઈ હતી. ત્યાં બંને એકબીજા સાથે ઓળખાણ થયા બાદ એકબીજાના નંબરો લઈ લીધા હતા.
અને ત્યારથી બંને એકબીજાના પ્રેમમાં હતા. પપ્પુ પાસવાન દિવસોમાં બિહાર પોતાના ગામ જઈ ચંપાદેવીને અલગ અલગ રીતે મળતો હતો. જોકે વલસાડના જલારામ પાર્કમાં વધુ મજૂરોની જરૂરત હોવાથી પપ્પુ પાસવાન પોતાનો પ્રેમ પ્રકરણનો સબંધ આગળ વધારી શકે તે માટે તેણે ચંપાદેવીના પતિ વિકાસ માંજી સાથે મિત્રતા કેળવી તેઓને વલસાડ કામ અપાવવાની લાલચ આપી બંને પતિ પત્નીને 8 દિવસ પહેલા બિહારથી સુરત અને સુરત થી વલસાડ બોલાવી કામ પર લગાડ્યા હતા.
પપ્પુ પાસવાન અને ચંપાદેવીના પ્રેમ પ્રકરણ અંગે વિકાસને ખબર ન હતી. પપ્પુ અને ચંપ્પાદેવીને હત્યા પહેલા વિકાસ કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. રોષે ભરાયેલા વિકાસે જઈને પપ્પુ પાસવાન ની હત્યા કરી પોતાની પત્નીને લઈ રાતોરાત બિહાર જવા ફરાર થઈ ગયો હતો.
વલસાડ સીટી પોલીસની ટીમે વલસાડની કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરી 2 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન વલસાડ સીટી પોલીસની ટીમે સક્ષમ અધિકારીઓની પરવાનગી મેળવી શ્રમિક દંપતી આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળનું રી-કન્સ્ટ્રક્શન પંચનામું અને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. વલસાડ સીટી પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





