રાજ્ય હવામાન વિભાગની આગાહી આનુસર વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ પડવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે આપી છે. બુધવારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વાદળ છાયું હવામાન થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં વાદળ છાયું હવામાન જોવા મળી રહ્યું છે. મંગળવારની સખમણીમાં બુધવારે સવારે વલસાડ શહેરનું તાપમાન 18 ડીગ્રી ઉપર યથાવત રહ્યું હતું. વલસાડ શહેરમાં ઠંડી વધતાની સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.
વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર બુધવારે વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં રક્ષણ મેળવવા સ્વેટર પહેરી સાયકલિંગ કરતા જોવા મળ્યા હતા. નોકરી ધંધા રોજગારે જતા યુવાનો, યુવતીઓ સ્વેટર, જાકેટ, સાલ, ટોપી સહિત ના ગરમ વસ્ત્રો પહેરી બજારમાં જતા જોવા મળ્યા હતા. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર યુવાનો- યુવતીઓ અને મહિલાઓ ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઠંડી સામે રક્ષણ મેળવવા યુવક- યુવતીઓ મોર્નિંગ વોક તથા જિમમાં કસરત કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારે બાળકોને શાળાએ મુકવા જતા વાહન ચાલકો અને બાળકો ઠંડીથી રક્ષણ મેળવવા સ્વેટર પહેરી નીકળતા જોવા મળ્યા હતા.
પારનેરા ડુંગર ઉપર બુધવારે સવારે પણ ઠંડીના પવનના સુસવાટા સાંભળવા મળ્યા હતા. બુધવારે વહેલી સવારથી ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળતા વલસાડ શહેરના લોકો 18 ડીગ્રી તાપમાનના ઠુઠવાયા હતા. વરસાદ પડશે તો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઠંડી શરૂ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત અને ખેતીના કામમાં ખેડૂતો જોડાયા હતા. ફુલગુલાબી ઠંડીની શરૂઆત થતા વલસાડ શહેરનું હવામાન ખુબજ સુંદર બન્યું છે.





