ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે જે 17 માર્ચ 2025 સુધી ચાલશે. ત્યારે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુવિધા માટે એક નવતર પહેલ કરી છે.
વિભાગે પ્રથમ વખત તમામ પરીક્ષા કેન્દ્રો માટે QR કોડ તૈયાર કર્યા છે. આ QR કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રનું સ્થળ, ત્યાં પહોંચવાનો માર્ગ અને અંદાજિત સમય જાણી શકાશે. વિશેષ રૂપે, વિદ્યાર્થીઓ રસ્તામાં ટ્રાફિક જામની સ્થિતિની માહિતી પણ મેળવી શકશે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રના લોકેશન QR કોડ સાથેની પુસ્તિકા શાળાના આચાર્યો મારફતે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, પરીક્ષાખંડમાં લઈ જઈ શકાય તેવી વસ્તુઓ અને પ્રતિબંધિત વસ્તુઓની માહિતી સોશિયલ મીડિયા અને બેનર દ્વારા પણ પ્રસારિત કરવામાં આવી છે.
આ પહેલથી વિદ્યાર્થીઓ ઘરેથી નીકળતા પહેલા જ માર્ગની સ્થિતિ જાણી શકશે અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે. આ ડિજિટલ પહેલ વિદ્યાર્થીઓના સમયની બચત કરવામાં અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે.





