વલસાડ જિલ્લા પોલીસે GPS સિસ્ટમની મદદથી ચોરીનો ડમ્પર ટ્રક ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ધોડ બંદરથી ચોરાયેલા ટાટા ડમ્પર ટ્રકને ધરમપુર પોલીસે શોધી કાઢ્યો હતો.

પોલીસ ટીમે તપાસ કરતા ટ્રક મોટી ઢોલડુંગરી સ્થિત એચ.પી.પેટ્રોલ પંપ પાસેના સાંઈ ધાબાના કંપાઉન્ડમાંથી મળી આવ્યો હતો. પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મકસુદ બુધ્ધી (૩૬), સમીમ હાજીહુરમત (૩૧) અને મહમદઆરીફ હમીદ (૨૪)નો સમાવેશ થાય છે.

પોલીસે ૩૫ લાખની કિંમતનો ટાટા ડમ્પર ટ્રક (MH-48-CQ-7229), બે મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ ૩૫.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ટ્રક ચોરી અથવા છળકપટથી મેળવ્યાની કબૂલાત કરી છે. ત્રણેય આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૫(૧)(ઇ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.





