
ગુજરાત ATSએ દમણ તથા વાપીમાં સંયુક્ત રેડ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ATSએ દમણ પોલીસ ક્રાઈમબ્રાંચ અને વલસાડ SOGની મદદથી હાથ ધરેલ આ ઓપરેશન દરમ્યાન 5.9 કિલોગ્રામ મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ), આશરે 300 કિલો રો-મટીરીયલ તથા પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવાતી મશીનરી, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતનું એપરેટસ મળી આવ્યું છે. જપ્ત મુદ્દામાલની કિંમત આશરે રૂ.30 કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું.
ગુજરાત ATSની ટીમને મળેલી બાતમીના આધારે રેડ ATSના DySP એસ.એલ. ચૌધરીના નેતૃત્વમાં ગુજરાત ATSની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન ગુજરાત ATSની ટીમને આંતર રાજ્ય ડ્રગની ગતિવિધિ બાબતે મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ચલા રોડ પર સ્થિત બંગલામાં તેમજ દમણના બામણપુજા સર્કલ પાસેના ફાર્મહાઉસમાં મેફેડ્રોન તૈયાર થાય છે. ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સીસ વડે માહિતીની ખાતરી બાદ સંયુક્ત ટીમે સ્થળ ઉપર રેડ કરી હતી. તપાસ દરમ્યાન દમણના ફાર્મહાઉસમાં મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા ચાલુ હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ઓપરેશન દરમ્યાન મોહન નારાયણલાલ પાલીવાલ (રહે. તપોવન-2, ચલા, વાપી)ને ATSએ અટકાયત કરી NDPS અધિનિયમ હેઠળ ધરપકડ કરી છે. અન્ય બે આરોપી મેહુલ રજનેતસિંહ ઠાકુર અને કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય ફરાર છે. આરોપીઓ છેલ્લા 3-4 મહિનાથી ફાર્મહાઉસમાં ગેરકાયદેસર પ્રોસેસ કરી તૈયાર થયેલ MDને વાપી ખાતે સંગ્રહ કરી મુંબઈ સહિત અન્ય શહેરોમાં વેચાણ કરતા હતા.

એક આરોપી ઝડપાયો, બે ફરાર ATSના એસ.પી. એસ. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા ચાલુ હતી. બનાવેલો માલ, કાચામાલ તથા ગ્રાઇન્ડર, મોટર, ફ્લાસ્ક અને હીટર સહિતના સાધનો જપ્ત કરાયા. ઘટનાસ્થળેથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે બે અન્ય આરોપીઓ — વિવેક અને મેહુલ ફરાર છે.

આરોપી પેરોલ જમ્પ કરીને આ કાંડ કરતો પોલીસે મોહન પાલીવાલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેમણે ત્રણ-ચાર મહિના પહેલા જ દમણમાં આ યુનિટ ચાલુ કરીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તે જેલમાંથી પેરોલ પર બહાર આવી પેરોલ જમ્પ કરીને આ કાંડ કરતો હતો. જ્યારે વિવેક રાય કેમિસ્ટ છે અને કેમિકલ મિક્સ કરીને ડ્રગ્સ બનાવતો હતો, ત્યારે માસ્ટર માઇન્ડ મેહુલ ઠાકુર રો મટિરીયલ લાવતો અને મુંબઇમાં વેચવાની વ્યવસ્થા કરતો હતો. મેહુલના ભાઈના વાપી ખાતેના ઘરમાં ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવતો હતો. આ પ્રકરણમાં ATSએ વોન્ટેડ આરોપીઓ વિવેક અને મેહુલને ઝડપી લેવા ઉપરાંત, ડ્રગ્સ સિન્ડીકેટમાં તેમની સંડોવણી અને તેમના સંકળાયેલા અન્ય સભ્યોની તપાસ શરૂ કરી છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ પકડાયેલ આરોપી મોહન નારાયણલાલ પાલીવાલ અગાઉ પણ NDPS હેઠળના 2 કેસોમાં ધરપકડ થયેલો છે અને હાલમાં પેરોલ જમ્પ કરી ફરાર હતો.





