વલસાડ જિલ્લાના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતી દમણગંગા નદીમાં શુક્રવારે ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, શાળા દ્વારા બાળકોને પ્રવાસે લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ, કોઈ કારણસર અમારા બાળકોને પ્રવાસમાં લઈ ગયા ન હતા, જેની અમોને જાણ પણ કરાયું નાં હતું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શુક્રવારે કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં લઈ જવાના હતા. વાલીઓનું માનીએ તો, શાળા દ્વારા આ બાબતે વાલીઓને મેસેજ કરી જાણ પણ કરી હતી. જેથી તેઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા હતા. જો કે, કાર્યક્રમમાં ફક્ત ધોરણ 7ના જ બાળકોને લઈ જવાના હોય અન્ય ધોરણના બાળકોને લઈ જવામાં આવ્યા ન હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, આ બાબતે તેઓને શાળા દ્વારા જાણ પણ કરવામાં આવી ન હતી.
દાદરા નજીક આવેલા વાસદરા વિસ્તારનો બનાવ, દમણગંગા નદીમાં ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા

કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં ન લઈ જવાતા ચાર વિદ્યાર્થીઓ વાસધરા વિસ્તારમાં આવેલી દમણગંગા નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ચાર પૈકીના બે વિદ્યાર્થીઓ ડૂબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને તરવૈયાઓએ બચાવી લીધા હતા. શુક્રવારે બનેલા આ સમગ્ર બનાવ મામલે દાદરા પોલીસ મથકે નોંધ કરવામાં આવી હોય ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા દાદરા પોલીસ અને સંઘ પ્રદેશ દાનહના એજ્યુકેશન ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, થઈ શક્યો ન હતો.





