વાપીના ટ્રાન્સપોર્ટરો અમીત કુમાર નામના ઇસમથી કંટાળી શનિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં પહોંચ્યા હતા.

જણાવ્યા મુજબ અમીત કુમાર નામનો ઇસમ પોતે ટ્રાન્સપોર્ટર હોવાનું જણાવી ગાડી મંગાવીને ડ્રાઇવરોના ખાતામાંથી રૂપિયા કાઢી લઇ છેતરપિંડી કરી રહ્યો છે. દોઢ માસમાં 20 લાખથી વધુની ઠગાઇ કર્યા હોવાની ફરિયાદ ઉઠી છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પુર્વ પ્રમુખ અરવિંદભાઇ શાહ શનિવારે અન્ય ટ્રાન્સપોર્ટરો સાથે વાપી જીઆઇડીસી પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓ સાથે થતી ઠગાઇ અંગે મૌખિક રજુઆત કરી હતી.
જણાવ્યા મુજબ અમીત કુમાર નામથી એક ઠગ અલગ અલગ ટ્રાન્સપોર્ટના નામે લોકો પાસેથી માલ ભરાવવાના નામે ગાડી મંગાવી રૂપિયાની ઠગાઇ કરી રહ્યો છે. જેણે અત્યાર સુધીમાં વાપી, દમણ અને સેલવાસના ટ્રાન્સપોર્ટરો પાસેથી 20 લાખ રૂપિયાથી વધુની ઠગાઇ કરી છે. ગાડી મંગાવ્યા બાદ ટ્રક ડ્રાઇવરનો ફોન નંબર માંગી તેને એડવાન્સ રૂપિયા મોકલવાનું કહી તેના જ ખાતામાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતા પીડિતોની સંખ્યા વધી છે.
પોલીસ સ્ટેશને પહોંચેલા ટ્રાન્સપોર્ટરોને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જણાવતા તેઓ વલસાડ એસપી કચેરીએ જવા રવાના થયા હતા. આરોપી છેલ્લા એક મહિનાથી ટ્રાન્સપોર્ટરો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યો છે. જે એક નંબરથી વાત કરે છે. અત્યાર સુધીમાં 30થી વધુ ટ્રાન્સપોર્ટરો તેમના શિકાર બની ચૂંક્યા છે. ટ્રાન્સપોર્ટરોના નામ અને નંબર લખીને તેનો ઠગાઇ કરવામાં ઉપયોગ કરાય છે.
રૂપિયાની જગ્યાએ રિક્વેસ્ટ મોકલે છે આરોપીઓ ગુગલ પે અથવા ફોન પેથી એડવાન્સ રૂપિયા મોકલવાનું કહી અભણ ટ્રક ડ્રાઇવરોને પૈસા માટે રિક્વેસ્ટ મોકલે છે. જેમાં રકમ બતાવતા ડ્રાઇવરો તેમજ ટ્રાન્સપોર્ટરો પાસવર્ડ નાખીને ઓકે લખતા જ તેમના ખાતામાંથી રૂપિયા કપાઇ જાય છે. કોઇ પાસેથી 5 હજાર તો કોઇ પાસેથી 80થી 90 હજાર રૂપિયા ઠગનાર સામે પગલા લેવાની જરૂર છે.





