
સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં ગત 19 જાન્યુઆરીના રોજ હચમચાવતી ઘટના સામે આવી હતી. ઓમ ટાઉનશીપ, 17 નંબરના બિલ્ડીંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને 44 નંબરના બિલ્ડિંગમાં રહેતો 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુના ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવતીને ચપ્પુના ઘા મારતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં છેલ્લા એક મહિનાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા આખરે પ્રેમિકા પણ મોતને ભેટી છે.
સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશિપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમસંબંધ આવ્યા હતા. જોકે યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા અન્ય યુવક સાથે સગાઈ કરી દેવામાં આવી હતી. જેને લઇ યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી પલ્લવીને ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો.જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેને લઇ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, યુવક અને યુવતીના પરિવારો વચ્ચે ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના પરિવાર પારિવારિક સંબંધ સાથે જોડાયેલા હતા. આ દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમસંબંધ કેળવાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી દેવતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બનાવવા અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જ્યારે પ્રેમી યુવકે અગ્નિ સ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરાઈ રહી હતી. આ દરમિયાન એક મહિનાની સારવાર બાદ પ્રેમિકાનું પણ મોત નીપજતા પરિવારે તેના મૃત દેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરીછે.





