
વલસાડના પારડી હાઈવે પર ટ્રક ચાલકે મુસાફરો ભરેલી એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતમાં બસ ટ્રક અને હાઈવેની ગ્રીલ વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને લઈને બસને બંને તરફ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ચાવી લઈ ફરાર થઈ ગયો હતો. તેમજ ટ્રકમાં સ્ટેયરિંગ બાજુમાંથી દારૂની અડધી બોટલ મુસાફરોના હાથે લાગી હતી. જેથી ટ્રક ચાલક દારૂ પીતા પીતા વાહન હંકારતો હોવાના આક્ષેપો મુસાફરોએ કર્યા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
પારડી હાઇવે ઉપર ગુરુવારે રાતે વાપીથી ધૂળે તરફ જતી સરકારી બસ વલસાડ, નવસારી, બારડોલી નવાપૂર થઈ ધૂળે જવા પસાર થઈ રહી હતી. જે દરમિયાન પારડીના સોના દર્શન સામે એક ટ્રકના ચાલકે ત્રીજા ટ્રેક ઉપરથી અચાનક બીજા ટ્રેક પર ટ્રકને લઈ આવી મહારાષ્ટ્રની ST બસ સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ST બસને ટ્રક ચાલકે ફર્સ્ટ ટ્રેક સુધી દબાવી લઈ ગયો હતો. જેને પગલે બસ હાઇવે વચ્ચેના ડિવાઇડર સાથે બસ અથડાઈ હતી.
આ અકસ્માત સર્જાતા ST બસમાં સવાર 60 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં સ્થાનિક લોકોએ ટ્રકમાં ચેક કરતા ટ્રકનો ડ્રાયવર મળી આવ્યો ન હતો. તેમજ ટ્રકના સ્ટેરિંગ પાસે દેશી દારૂ લખેલી અડધી બોટલ પણ મળી આવી હતી. અકસ્માતમાં બસમાં ફસાયેલા યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ અને રાહદારીઓએ બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બસમાં આવેલી ઇમરજન્સી વિન્ડો મારફતે જીવ જોખમે બસમાં ફસાયેલા 60 મુસાફરોને બસમાંથી સુરક્ષિત રીતે ઉતાર્યા હતા. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ દોડી આવી હતી અને ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય એક ક્રેન વડે ટ્રક કાઢી શકાય ન હતી. કલાકોની ભારે જહેમત બાદ સફળતા મળી હતી. આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો માર્ગ ઉપર રઝળ્યા હતા અને બસ ચાલકે વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ મુસાફરો માટે બીજી બસ મંગાવી હતી





