
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વાપીના સુલપડ વિસ્તારમાં વધુમાં વધુ મતદારો 7મી મેં 2024ના રોજ વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટીના વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને સ્વીપની ટીમ દ્વારા જિલ્લાભરમાં ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે તા. 8મી એપ્રિલના રોજ વાપી તાલુકાના સુલપડ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં વોર્ડ નં. 4 અને 6 ના મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય દીલિપભાઈએ મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ‘‘આપણા ગામમાં વોટીંગ છે. આજે…’’ મતદાન જાગૃતિ ગીત દ્વારા મતદારોને એક એક વોટનું મહત્વ શું છે તે જણાવવામાં આવ્યું હતું. વાપીના BRC કો-ઓર્ડિનેટર અશ્વિનભાઈ દ્વારા મતદારોને લોકશાહીમાં મતદારને રાજા કેમ કહેવામાં આવે છે. તે અંગે પ્રકાશ પાડ્યો હતો. CRC કો-ઓર્ડિનેટર તેમજ વાપી નગરપાલિકાના વોર્ડ નં. 10ના સભ્યો ગંગાબેન હળપતિ, ઈન્દુબેન, મંગેશભાઈ તેમજ દિવ્યેશભાઈએ પણ કાર્યક્રમ હાજર રહી મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમનો અંદાજે 75 મતદારોએ લાભ લીધો હતો. જેઓ મતદાનનો અધિકાર અને વધુમાં વધુ મતદાન થાય તે માટેનો જાગૃતિ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા 2019ની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ઓછુ મતદાન થયુ હતું તે મતદાન મથકોની છણાવટ કરી તેવા બુથ પર આગામી તા. 7મી મે ના રોજ મતદાનનું પ્રમાણ વધારવા માટે સ્વીપ મેનેજમેન્ટ કમિટી દ્વારા ચૂંટણી પૂર્વે જોરશોરથી મતદાન જાગૃતિ અર્થે પ્રચાર પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. મતદારોને મતદાનના દિવસે ઉપયોગમાં આવનારા EVM અને VVપેટના યોગ્ય ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





