
વલસાડમાં કેરીની સીઝન માટે એપીએમસી માર્કેટમાં ચહલ પહલ શરૂ થઇ ગઇ છે. પ્રથમ ફાલના પાક સાથે ગુરૂવારે માર્કેટમાં વિધિવત પૂજાપાઠ સાથે કેરીના ખેડૂતોની આંબાવાડીઓમાંથી આવેલા કેરીનો માલ ખાલી કરી વેપારને ધમધમતું કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસે 40 મણ કેરીની આવક સાથે મુહૂર્તવિધિ થઇ હતી.આ સાથે આગામી દિવસોમાં એપીએમસી માર્કેટ વધુ ધમધમતુ થશે.
મે માસમાં માલની આવક વધશે એપીએમસી માર્કેટના વેપારીઓની ધારણાં મુજબ હાલે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં બેડાણ થતાં માર્કેટમાં વ્યવસાયિક સીઝનને લઇ વેપારીઓમાં ચહલપહલ વધી છે.મે માસમાં કેરીની આવક વધુ પ્રમાણમાં શરૂ થશે તેવું વેપારીઓ અનુમાન કરી રહ્યા છે.ગુરૂવારે વેપારી અગ્રણી અને એક્સપોર્ટર અરૂણભાઇ ત્રિપાઠીની પેઢીમાં કેરીની આવક થતાં કંકુ તિલક સાથે વેપારી પ્રવૃત્તિના પ્રારંભ માટે ખાતમુહૂર્ત વિધિ કરાઇ હતી.





