Explore

Search

February 4, 2026 2:44 pm

IAS Coaching

કોંગ્રેસ-AAPએ સાથે મળી પોસ્ટર લગાવ્યાં, આપ નેતાએ કહ્યું- ભાજપે 15 કરોડમાં ખરીદ્યા, ગોવામાં જલસા કરે છે

 

કોંગ્રેસ દ્વારા સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારીપત્ર રદ થાય તે માટે ષડ્યંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જોકે, ફોર્મ રદ થતાં સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. આથી કોંગ્રેસમાં પણ આને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. હવે સુરતમાં ‘નિલેશ કુંભાણી વોન્ટેડ’નાં પોસ્ટર લાગ્યાં હતાં. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે, ભાજપે નિલેશ કુંભાણી, ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેઓએ 15 કરોડ જેવી રકમ ચૂકવવી પડી છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે નિલેશ કુંભાણીના ઘરે જઈને કોંગ્રેસના ત્રણ-ચાર કાર્યકર્તાઓ દ્વારા ઘરની બહાર પોસ્ટર ચોંટાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ આજે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા હીરાબાગ સર્કલ પાસે બ્રિજ ઉપર જઈને નિલેશ કુંભાણી સામે રોષ વ્યક્ત કરતા બેનર લગાવ્યાં હતાં. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ‘લોકતંત્રનો હત્યારો- ગદ્દાર.’ નીલેશ કુંભાણીએ સુરત લોકસભા મતવિસ્તારના 19 લાખ મતદારોનો હક્ક છીનવી લીધો છે. નિલેશ કુંભાણી જ્યાં પણ દેખાય ત્યાં તેને સબક શિખવાડવા માટે કહેવામાં આવ્યું છે.

દિનેશ કાછડિયાએ જણાવ્યું કે, મને દુઃખ એક જ વાતનું છે કે, આજે દેશભરના લોકો જ્યારે પોતાના મતાધિકારનો લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવાના હતા. કોઈ તેમના મત અધિકારનો હક્ક છીનવી શકે નહીં. ઇન્ડિયા ગઠબંધન દ્વારા નિલેશ કુંભાણીને સુરત બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડ્યંત્ર રચીને તેમના ટેકેદારોને અને નિલેશ કુંભાણીને ખરીદી લેવામાં આવ્યા છે. 15 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે.વધુમાં જણાવ્યું હતું કે, 7 મેએ દેશભરમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી ઉપર તેને જોતા રહેશે. આ ચાર લોકોને કોઈનો મતનો અધિકાર છીનવવાનો હક્ક નથી. એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. જો નિલેશ કુંભાણી મરદ હોય તો તેને ગામમાં રહેવું જોઈએ. શા માટે તે ભાગી ગયો છે અને મારી તેને ઓપન ચેલેન્જ છે કે, તું સુરત શહેરમાં આવીને બતાવ. લોકોનો રોષ તારા પ્રત્યે કેટલો છે તે તને ખબર પડી જશે. મને મારા સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, તે ગોવામાં છે અને આજે ગુરુવારના દિવસે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો હતો. પરંતુ કદાચ આ પ્રકારના વિરોધને જોતા એ થોડા દિવસ પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાંથી બહાર આવશે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot