હાઇવે પર કેરીના સ્ટોલથી સર્જાતા અકસ્માત રોકવા પારડી પોલીસે લાલ આંખ કરી 12 સ્ટોલ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરતા ફફડાટ ફેલાયો છે.

નેશનલ હાઇવે નં 48 રાત દિવસ સતત વાહનોની અવરજવરથી ધમધમતો હોય છે.અહીં કેરીની સીઝન પર પરપ્રાંતીય લોકો હાઇવેના અડીને ગેરકાયદે સ્ટોલ ઉભા કરતા હોય કેરી ખરીદવા વાહન ચાલકો હાઇવે પર જ વાહનો રોકી દેતા હોય છે જેને લઈ જીવલેણ અકસ્માતોનું જોખમ ઉભું થતું હોય છે. આવા જોખમી દબાણકારો સામે બુધવારે પારડી પોલીસે લાલ આંખ કરતા પારડી મામલતદાર કચેરીથી ઉદવાડા સુધી હાઇવેને અડીને જોખમી રીતે ઉભા કરાયેલા 12 સ્ટોલ ધારકોને પોલીસ મથકે લાવી ઈ.પી,કો કલમ 283 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરતા દબાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ સ્ટોલ ધારકો પાસે હાઇવે લાગુ જમીનના માલિકો તગડું ભાડું પણ વસૂલતા હોય તો હાઇવે ઓથોરિટીના કેટલાક અધિકારીઓની મીઠી નજર પણ હોવાની સંભાવના છે.





