માર્ગની ઉડતી ધૂળથી વાહનચાલકોને મુશ્કેલી પડે છે, વારંવાર વાહનો સ્લીપ થવાથી અકસ્માત સર્જાય છે ધરમપુરના જુના જકાતનાકાથી બામટી થઈ ભાંભા સુધીના વાહનોથી વ્યસ્ત માર્ગ પર ચોમાસામાં ખરાબ થયેલા ભાગની સમારકામની માગ ઉઠી રહી છે.

ધરમપુરથી બામટી, ભાંભા અને ખેરગામ થઈ ચીખલી, નવસારી, સુરત તરફ દિવસ રાત વાહનોની અવરજવર થતી હોય છે. આ રસ્તા પર બામટીમાં લાલ ડુંગરી, ટોકરફળીયા,નિશાળ ફળીયા,જલારામ મંદિર ફળીયા તથા ભાંભા તરફ જતા રસ્તા પર કેટલોક ભાગ ખરાબ જોવા મળે છે. જેને લઈ બાઇક સહિતના વાહનચાલકોને હાલાકી ઉઠાવવી પડતી હોય છે. રસ્તા પર ખરાબ થયેલા સીધા પટ્ટામાં બાઇકના વ્હિલ પડતા બાઇક ખેંચવાની સ્થિતિમાં પડી જવાની ભીતિ પણ ઉભી થઇ છે. ખરાબ ભાગમાંથી ઉડતી ધૂળથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે. ખરાબ ભાગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને આંચકાનો અનુભવ પણ થતો હોય છે. ચોમાસા પછી આ રસ્તા પર ઘણા સ્થાનો પર તંત્રએ ડામર પેચવર્ક કર્યુ છે. જોકે હજુ ખરાબ થયેલા ભાગનું સર્વે કરી સ્થાનિકો તથા વાહનચાલકોની સુવિધા માટે તાકીદે સમારકામ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
રસ્તા પર ડામર ઉખડી ગયેલો છે તંત્રને પેચવર્ક તથા ખાડા પુરવા મૌખિક રજુઆત કરી હતી. તાત્કાલિક સર્વે કરી રસ્તાની મરામત કરવી જોઈએ. કેટલીક જગ્યાના ખાડા પુરાયા છે. તથા અમુક જગ્યાએ ડામર પેચવર્ક પણ કરાયું છે.જોકે વાહનોથી આ માર્ગ વ્યસ્ત રહેતો હોય હજુ પણ આ રસ્તા પર ઘણા સ્થાને માર્ગ ઉખડેલો છે. જે તાકીદે પેચવર્ક કરવાની જરૂર છે. > વિજય પાનેરીયા, સરપંચ ગ્રુપ ગ્રા.પં. બામટી-
રાનપાડા





