વાપી જીઆઇડીસી પોલીસે કુંભમેળાની ટિકિટ અને ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરનાર બે યુવકોની ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

પ્રથમ કેસમાં, દાદરા નગર હવેલીના મસાટનો 21 વર્ષીય લલિત નારાયણ રામકુમાર સિંગ પકડાયો છે. તેણે સોશિયલ મીડિયા પર કુંભમેળા માટે સ્પેશિયલ કન્ફર્મ ટ્રેન અને ફ્લાઈટ ટિકિટની જાહેરાત કરી હતી. વિશેષ ડિસ્કાઉન્ટની લાલચ આપી શ્રદ્ધાળુઓ પાસેથી ઓનલાઈન પૈસા મેળવ્યા હતા. આરોપીએ કુલ 1.40 લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે.

બીજા કેસમાં, મૂળ ભાવનગરના બોરડી ગામનો અને હાલ સુરતના ઘોડદરામાં રહેતો 27 વર્ષીય અશોક રાઘવ નકુમ પકડાયો છે. તેણે ઓનલાઈન ટ્રેડિંગના નામે એક વ્યક્તિ પાસેથી 35 હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી.

પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.






