વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના એક આરોપીને એલસીબીએ ઝડપી પાડી મુંબઇ, સેલવાસ સહિત વાપીના 4 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. વાપી ચલા ફોર્ચ્યુન સ્ક્વેર વન બિલ્ડિંગની નીચે પાર્કિગમાં ઇનોવા કારની પાછળના દરવાજાનો કાચ તોડી રોકડા રૂ. 1 લાખ સાથે આધાર પુરાવા ભરેલ બેગની ચોરી કરી એક ઇસમ ફરાર થઇ ગયો હતો.

તે સાથે બીજી એક એક્યસુવી કારનો પણ પાછળના દરવાજાનો કાચ તોડી એટીએમ, પાસપોર્ટ વિગેરેની ચોરી 25 સપ્ટેમ્બર 2025ના રોજ થઇ હતી. જેને ઉકેલવા જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળે લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં જમાદાર ભાવીક પટેલને મળેલી બાતમીના આધારે તીરૂચીલ્લાપલ્લી તમિલનાડુ ખાતે એક ટીમ પહોંચી હતી
અને ત્રીચી ગેંગના આરોપી ઉદયકુમાર સાથાકુમાર મુન્નુસ્વામી સેરવે રહે. મીલ કોલોની પોસ્ટ થાના રામજીનગર તમિલનાડુને પકડી વાપી લવાયો હતો. આરોપી ઉદયકુમારે જણાવ્યું કે, સાગરીત જગન બાલાસુબ્રમણ્યમ સેરવે સાથે મળી તેણે ચોરીને અંજામ આપી હતી.
આ સાથે બંનેએ મળી મુંબઇ તથા સેલવાસ વિસ્તારમાં પણ ફોર વ્હીલર ગાડીના કાચ તોડી ચોરીની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. 42,000 અને એક ફોન કબજે કરવામાં આવ્યો હતો.





