પરિચિત ‘મુન્ના પ્લમ્બર’એ વૃદ્ધ મહિલાઓને ઇજાગ્રસ્ત કરી સોનાની ચેઇન લૂંટી; પોલીસના ક્વિક રિસ્પોન્સથી આરોપી ઝડપાયો
વલસાડ જિલ્લાના વાપી શહેરના ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં લૂંટની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને આરોપીએ બે વૃદ્ધ મહિલાઓને ઇજા પહોંચાડી હતી અને સોનાની ચેઇન લૂંટી હતી. જોકે, સ્થાનિકોની સતર્કતા અને પોલીસના ઝડપી પ્રતિભાવને કારણે આરોપી તુરંત પકડાઈ ગયો હતો.
DySP બી.એન. દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગ્યે આ લૂંટની ઘટના બની હતી. ઘટના સમયે ઘરમાં ડોક્ટરના પત્ની અને તેમના સાસુ—બંને ઉંમરલાયક મહિલાઓ હાજર હતી. પ્લમ્બર રેક્યુલર કામકાજ કરવા આવતો હોવાથી તેમને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.
DySP દવેના જણાવ્યા મુજબ, લૂંટ કર્યા બાદ આરોપી ઘરના ઉપરના ભાગે ભાગી ગયો હતો. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઉપરના ભાગમાં તપાસ કરતાં આરોપી ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ
નામ: સનાતન ઉર્ફે મુન્નો બહેરા
મૂળ નિવાસ: ઓડિશા રાજ્ય
વ્યવસાય: પ્લમ્બિંગ
હાલ રહેઠાણ: વાપીના રમજાનવાડી વિસ્તારમાં
લૂંટનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલી આશરે 37 ગ્રામ વજનની સોનાની ચેઇન (અંદાજિત ₹4 લાખની કિંમત) કબજે કરી છે. સાથે જ, આરોપીએ હુમલો કરવા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર પણ સ્થળ પરથી મળી આવ્યું છે.
તપાસ ચાલુ
પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે લૂંટની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. DySPએ જણાવ્યું કે આસપાસના લોકોએ સમયસર ભેગા થઈને જે સતર્કતા દાખવી અને પોલીસનો ઝડપી પ્રતિભાવ મળ્યો, તેના કારણે આરોપીને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે.





